Monday 23 November 2015



Chello Divas Movie Review
#From the Heart Of Hardy

છેલ્લો દિવસ 
છેલ્લો દિવસ – અ ન્યુ બીગીનીંગ ! નામ ભલે છેલ્લો દિવસ હોય પણ આ અર્બન ગુજરાતી ફિલ્મની નવી શરૂઆત છે! કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા બનાવાયેલી આ ફિલ્મ કોઈ ફિલ્મ નથી પરંતુ આપણે આપણા  કોલેજકાળમાં લઇ જતી ટાઇમ ટ્રાવેલ છે!

ઓછા લોકો હોવાથી ફિલ્મનો શો લગભગ અસંભવ હતો પણ જયારે ૨૫ સ્ત્રીઓનું ટોળું ‘પ્રેમ રતન ધન પાયો’ ના બદલે ‘છેલ્લો દિવસ’ ની ટીકીટ ખરીદી ત્યારે છાતી ગજ ગજ ફુલાઈ ગઈ! ટ્રેલર જોઈનેજ મન માં નક્કી કરેલું કે આ ફિલ્મ જોવીજ છે! અને જયારે જોઈ ત્યારે કોલેજ ની યાદો માં ખોવાઈ ગયા...
એ ત્રણ વરસની દોસ્તી, એ યારી ક્યારે પાક્કી મિત્રતાના બંધનમાં બંધાઈ એ ખબરજ ના પડી! મને પણ મારી કોલેજ લાઈફનો ‘છેલ્લો દિવસ’ યાદ આવી ગયો!

વીકી હોય કે નીક, લોય હોય કે ધુલો, પૂજા હોય કે નિશા આ બધા આપણા મીત્રોજ લાગે! ડાયરેક્ટર સાહેબ ની એજ તો કમાલ છે કે દરેક પાત્ર આપણી આસપાસનો કે આપણો મિત્ર જ લાગે! બાકી ‘ઉધાર માગવું નહિ, અમો એ પણ લોન લીધી છે!’

સાથે બંક કરેલા ક્લાસ, મિત્રતાની મીઠાશ,દોસ્તના સેટીંગ્સ, લેટ નાઈટ ચેટીંગ્સ, કેન્ટીન નો નાસ્તો, ફ્રેન્ડ નો ફિયાસ્કો, એ છેલબટાઉ મસ્તી, એ ક્લાસમાં પેલી કેવું હસતી! લાયબ્રેરીમાં ચક્કર અને ફ્રેશર સાથેની એ ટક્કર, ડેય્ઝ નો જલસો અને ફેરવેલ પછી નો ખાલીપો!... જેટલું યાદ આવે એટલું ઓછું...

ફિલ્મના દરેક પાત્ર રંગ જમાવે છે. થોડા સીન માં આવતા નાના પાત્રો પણ મહત્વની છાપ છોડે છે! નરેશ તો અમોને વસંતમાં ખીલેલા ફૂલ સમા, વરસાદ પછી ધરતી એ ઓઢેલી લીલી જાજમ જેમ, સમુન્દ્રના પાણીમાં વરસાદના ટીપા ઝીલેલા મોતીના ચમકારા જેવો આનંદ આપી જાય છે! મોર્ડન કહેવડાવવાની ઘેલછા ધરાવતા ગુજ્જુ દંપતી જયારે દેશી ભાષા બોલે એ કટાક્ષ કાબીલેદાદ છે! ખડૂસ પપ્પા અને પ્યારા પપ્પા આપણા સમાજ માં ક્યાં ઓછા છે? આપણી આસપાસના ‘મારા પપ્પા એ તો એન્જેલીના સાથે...’ કહેવા વારા ફેંકુ તો દિમાગની દહીં કરી નાખે, ટ્યુશન ક્લાસના મેડમ એકાઉન્ટના ક્યા ડેબીટ-ક્રેડીટ કરતા હશે એતો એની માયાજ જાણે!

દીવેલિયું પીધેલ ડાચા જેવો ટીચર અને ઘનશ્યામ પ્રિન્સીપાલ આપણે આપણી સ્કૂલ કે કોલેજની યાદ આપવી દે! ‘તું મને મળવા કેમ ના આવ્યો ?’ અને ‘તે મારા માટે કોફી કેમ મંગાવી?’ ની અનસ્ટોપેબલ, અનબીટેબલ ગર્લ આર્ગ્યુમેન્ટસ તો કેટ-કેટલાય ના બ્રેક અપ કરાવ્યા હશે! આવી કોઈ મળી એટલે મગજની પત્તર રગડાઈ જ સમજજો! તેલની ફેક્ટરી (ક્યા તેલની ?) હોય કે લગ્નના લાડવા ખાવાના સપના જોતો ‘જોય’ અને લન્ગુરના હાથમાં અંગુર જોઈ પોતાની સેટિંગ કરતો વીકી, અંતે તો લોર્ડ ઓફ લાસ્ટ બેંચના ભાઈબંધોની ભવાઈ જ યાદ રહે છે ને!
દલપતરામને ‘ઊંટ કહે આ સમામાં’ કવિતાથી શ્રધાંજલિ અને નદી કિનારે નારિયેળનું ‘રીવર બેંક ઓફ કોકોનટ ટ્રી રે બ્રધર..’ જક્કાસ!

ફેરવેલ સ્પીચ તો મેં આપેલી ફેરવેલ સ્પીચ જેવીજ છે જે આંખોના ખૂણા ભીના કરી જાય છે. પૂજાની નાદાની અને વિકીની મસ્તી ફિલ્મ પછી દિલોદિમાગ પર છવાયેલીજ રહે છે! ગુજરાતી ફિલ્મમાં બેજ ગીત અને એપણ કોઈ ગરબો નહિ એક મસ્ત રોમેન્ટિક સોંગ અને બીજું ઈંગ્લીશ યુથ સોંગ જે ‘કોલેજ ડેય્ઝ’ સોંગ ને પણ ટક્કર મારે એવું છે!  

આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતી થાળી છે જેમાં અધુરી ગાળોના સલાડથી માંડીને દોસ્તીની મીઠી પુરણપોળી છે, ભાવનાથી તરબતર રોટલી અને રોમાન્સથી રસભર રાઈસ છે! ડાયલોગસની દાળ મિત્રો સંગાથે  માણવા જેવી ખરી! ટૂંકમાં, મિત્રો સાથે મકાસુર બની ઝાપટી જવાય એવી મસ્ત ગુજરાતી ડીશ જેવી આ ફિલ્મ છે દોસ્ત!

જે  ડાયલોગ્સ ફિલ્મ માં છે એ રોજ-બરોજ ની આપની ભાષાનોજ ભાગ છે! કેટલાક ચોખલિયાઓને એનો વાંધો હોઈ શકે પણ આજ ના યુથ ને એનો કોઈજ છોછ નથી! જેને વાંધો હોય એ મારે અઠ્ઠે! J

આ ગુજરાતી ફિલ્મ થીયેટરમા જ જોજો. પાયરેટેડ વર્ઝન ડાઉનલોડ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન ના પહોંચાડતા... આપણું આટલું નાનું યોગદાન કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સંજીવની સાબિત થઇ શકે છે!